ચોઘડિયાં - ઉદ્વેગ

સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો પણ એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે

ફાડી નાખ મકાનનાં નકશા

ગુજરાતી સાહિત્યમાં કોઈ વિરલ લોકસાહિત્યકારે એક દુહાની રચનામાં કચ્છ પ્રદેશ પ્રત્યે લાગણી પ્રદર્શિત કરતાં જણાવ્યુ છે કે ,

શિયાળે સોરઠ ભલો ; ઉનાળે ગુજરાત ,વર્ષામાં વાગડ ભલો; કચ્છડો બારેમાસ.

       લોકોને કઈ ઋતુમાં ક્યા પ્રદેશમાં રહેવું વધારે સાનુકૂળ પડે તેવી દ્રષ્ટિ થી સાહિત્યકારે આ દુહાની રચના કરીછે,પરંતુ અધ્યાત્મિક દ્રષ્ટિએ પણ કચ્છ પ્રદેશ નું એટલુ જ મહત્વ રહ્યું છે. આત્યંતિક કલ્યાણની ઋતુ કચ્છમાં બારેમાસ એટલે કે સદાય રહી છે. ભગવાન શ્રીહરિ સ્વયં સાત વર્ષ કચ્છમાં વિચાર્યા અને મોટા-મોટા સિદ્ધ મૂક્તોને પણ મહારાજે કચ્છના સત્સંગ સમાજમાં જ પ્રગટ  કર્યા. મહારાજની કૃપા કચ્છ પ્રદેશપર ખાસ જળવાઈ રહી છે.

              આવા કચ્છ પ્રદેશમાં અંજાર શહેર આવેલું છે, જે શહેર કલાત્મક ભરતકામ અને કળા-ગરી માટે વિખ્યાત છે. આ શહેરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું શિખરબદ્ધ મંદિર આવેલું છે. જે મંદિર માં  નિયમ-ધર્મ યુક્ત જ્ઞાની-ધ્યાની સંતો,પ્રારંભથી જ વસ્યા છે અને હાલમાં પણ એ લાભ મળી રહ્યો છે અહીં ભુજ મંદિરથી સિદ્ધમુક્તો અવરનવાર લાભ આપતા રહ્યા છે.

ઘણા વર્ષ પહેલાનો એક પ્રસંગ જોઇએ

        અંજારના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં  આજે પ્રસન્ન્તા સભર વાતાવરણ સર્જાયું હતું. હરિભક્તોમાં અનેરો ઉત્સાહ મળતો હતો. આમ તો દરરોજ ઘણા હરિભક્તો શણગાર આરતીનો લાભ લઈ ધન્ય બનવાનો અહેસાસ અનુભવતા,પરંતુ આજે તો મંદિર માં હરિભક્તો ની એટલી ઉપસ્થિતિ હતી કે, સભામંડપમાં જગ્યા મળવી દુર્લભ હતી. કારણ એ હતું કે, ગઈ કાલે સાંજે અંજાર મંદિર માં ભુજ થી સંતમંડળ પધાર્યું હતું અને તેમાં પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ વાત્સલ્ય મુર્તિ એવા સંત શ્રીઘનશ્યામજીવનદાસજી સ્વામી પધાર્યા હતા.સભામાં આજે વચનામૃત પર વિસ્તૃત છણાવટ થવાની હતી,જેમાં ભગવાન શ્રીહરિ ના સ્વરૂપનું માહાત્મજ્ઞાન પીરસવાનું હતું.

              પ.પૂ.સદ્.પુરાણી શ્રીઘનશ્યામજીવનદાસજી સ્વામી સભામાં પધાર્યા હતા. સ્વામીશ્રી આસને બિરાજ્યા. થોડી ક્ષણો આંખો બંધ કરી ભગવાન શ્રીહરિનું ધ્યાન કર્યું. પછી કરુણામય લોચન ઉઘાડ્યા. બધા પર દ્રષ્ટિ કરી.બધાને જય સ્વામિનારાયણ કર્યા ત્યારે તેમના ચક્ષુઓ માંથી દિવ્યતાનો ધોધ વહેતો હતો. બધાએ દિવ્ય શાંતિ અનુભવી.

              પુરાણી સ્વામીશ્રીએ ગઢડા પ્રથમ પ્રકરણ નું ૨૭મું વચનામૃત સમજાવવાનું શરૂ કર્યું. ખુબજ વિસ્તૃત અને ઊંડાણ પૂર્વકની ચર્ચા કરી. છેવટે સાર રૂપે જણાવ્યું કે, “શ્રીજી મહારાજ ને સર્વ કર્તા-હર્તા જાણે અને માન-અપમાનથી પર થઈ જાય તથા સર્વ પદાર્થને વિષે સમભાવ થઈ જાય તેના હ્રદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત શ્રીજીમહારાજને પ્રતાપે કરીને અનંત ઐશ્વર્યને પામે છે. અને અનંત જીવોનો ઉદ્ધાર કરે એવો તે ભક્ત સમર્થ થાય છે.      

              આજની આ સભામાં અંજાર ના એક સદ્ ગૃહસ્થ બેઠેલા, જેનું નામ શ્રી નરેન્દ્રભાઈ સોમૈયા હતું. આ નરેન્દ્રભાઈ સદાચારી ખરા પણ સત્સંગી નહીં.તેમના ધર્મપત્ની ચુસ્ત સત્સંગી. આથી આ સુખી દંપતીના જીવન માં કોઈ-કોઈ બાબતે વિચાર ભેદ રહ્યા કરતો. તેમના ધર્મપત્નીએ વિચારેલું કે જે તેઓ  આજે ધર્મસભામાં જાય તો મોટા સદ્. ની દ્રષ્ટિ તેમના પર પડે. તેથી આગ્રહપૂર્વક તેઓને સભામાં તેડી લાવ્યા હતા.

              સ્વામીશ્રીની દિવ્યવાણી જેમ-જેમ સાંભળતા ગયા તેમ-તેમ નરેન્દ્રભાઈ નું મન પીગળતું ગયું.સભા પૂર્ણથઈ ત્યાં સુધીમાં તો આ નરેન્દ્રભાઈએ નક્કી કરી નાખ્યું કે, આ સ્વામી ની પાસે વર્તમાન ધરાવી,કંઠી પહેરી, સત્સંગી બની જવું, આ સંકલ્પ પૂ.સ્વામીશ્રી જાણી ગયા તેથી કથા પૂર્ણ થયે સ્વામીશ્રી બોલ્યા કે, “નરેન્દ્રભાઈ ! શું સંકલ્પ કરો છો ! આવો તમને વર્તમાન ધરાવીએ. કંઠી ધારણ કરી સત્સંગી બની જાઓ.જન્મ મરણના ફેરા ટાળી જશે. આ લોક પરલોક માં સુખી થશો”.

              નરેન્દ્રભાઈ ને આશ્ચર્ય થયું.કોઈ મનના સંકલ્પો જાણે એતો એમને અદ્દભુત લાગ્યું. તેઓ સભામાંથી ઉઠ્યા,સ્વામીશ્રી ના ચરણો માં બેસી ગયા. સ્વામીશ્રી એ તેમને વર્તમાન ધરાવ્યા. કંઠી પહેરાવી. અત્યાર સુધીના કર્મોમાંથી મુક્ત કર્યા. સત્સંગી બનાવ્યા. માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે “એક સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો રાખજો. નિયમ-ધર્મ બરાબર પાળજો. તમારી  કાળ -માયા થકી રક્ષા કરીશું”.           

              સભા પૂર્ણ થઇ.નરેન્દ્રભાઈ નું જીવન પલટાયું. તેઓ દરરોજ નિયમિત પણે મંદિરે આવતા થયા. સ્વામીશ્રીએ તેમને સત્સંગીની રીત-ભાત, સત્સંગીએ પાળવાના નિયમો,પુજા-પાઠ વગેરે શીખવ્યું.પૂર્વના સંસ્કારો ઝળકી ઉઠ્યા. કપાળમાં તિલક-ચાંદલો કરવાથી તેમના ચહેરા પર ઓજસ છવાયું. ધીરે-ધીરે નરેન્દ્રભાઈ સત્સંગમાં ઓતપ્રોત થઇ ગયા.આ સમયે નરેન્દ્રભાઈ ની ઉંમર ૩૫(પાંત્રીસ વર્ષ) હતી. હવે દંપતિ ના વિચારો એક થયા.જીવન દિવ્યતા ની ઝાંખી કરતું થયું.

              આ નરેન્દ્રભાઈ અંજારમાં યોગેશ્વરનગર માં રહે. તેમની આર્થિક પરિસ્થિતિ સારી પણ મકાન નાનું તેથી સંકડાશ થાય.તેમણે પોતાની વાડીમાં પ્લોટિંગ કર્યું હતું, તેથી તેમણે સંકલ્પ થયો કે ત્યાં મોટું મકાન બનાવવું. તેઓ સારા એન્જીનીયરને મળ્યા અને સુંદર નક્શો (પ્લાન) બનાવડાવ્યો. મકાનનું કામકાજ શરૂ કરતાં પહેલા પ્લાન, પૂ.સ્વામીને બતાવવો અને તેમના આશીર્વાદ લઈલેવા એવું નક્કી કરી પુનમ ભરવા માટે ભુજ ગયા. સાથે પ્લાન લેતા ગયા. ભુજ પહોંચી મંદિરમાં દર્શન કરી, પુનમ ભરી, સ્વામીશ્રી પાસે ગયા. સ્વામીશ્રીના ચરણ સ્પર્શ કરી જય સ્વામિનારાયણ કર્યા અને સ્વામીશ્રી પાસે બેઠા. પ્લાન ગુરુજીના હાથમાં આપ્યો. નવું મકાન બનાવવા અંગે વાત કરી. સ્વામીશ્રી કશુંજ બોલ્યા નહીં . હાથમાં પ્લાનલીધો પણ જોયા વગર જ પોતાના આસન નીચે મૂકીદીધો. નરેન્દ્રભાઈ સારો એવો સમય સ્વામીશ્રી પાસે બેઠા. જવાની રજા માગી ત્યારે સ્વામીશ્રી આટલું જ બોલ્યા કે, “આ વિષે પછી વાત કરીશું”. પ્લાન સ્વામીશ્રી પાસે જ રહ્યો. નરેન્દ્રભાઈ અંજાર ગયા.

              થોડા દિવસ પછી ફરી નરેન્દ્રભાઈ ભુજ ગયા મંદિરમાં શ્રીજીમહારાજના દર્શન કરી સ્વામીશ્રી ના આસને આવ્યા.દંડવત પ્રણામ કરી, ચરણ સ્પર્શ કરી પાસે બેઠા. સ્વામીએ ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિની વાતો કરી પણ મકાનના પ્લાન વિષે કશુંજ બોલ્યા નહીં. નરેન્દ્રભાઈએ બે હાથ જોડી નવામકાનના પ્લાન વિષે પુછ્યું અને નવું મકાન બનાવવાની રજા માગી. ત્યારે સ્વામીશ્રી બોલ્યા કે, “તારે મોટું મકાન બનાવવાનું નથી એટલે કે નવા મકાનનો હવે સંકલ્પ કરવાનો નથી, માટે ફરીથી નવા મોટા મકાન બનાવવાની વાત ક્યારે કરવાની નથી”. નરેન્દ્રભાઈ દર્શન કરી ફરી અંજાર ચાલ્યા ગયા.            

              આ વાત ને ચારેક માસ વીતી ગયા. નરેન્દ્રભાઈ દર પૂનમે ભુજ જાય. સ્વામીશ્રી નો સમાગમ કરે પરંતુ સ્વામીશ્રી ક્યારે નવા મકાન વિષે કે પ્લાન વિષે વાત કરે નહીં.             

              આવી એક પુનમે નરેન્દ્રભાઈ ભુજ મંદિરમાં દર્શન કરી સ્વામીશ્રી પાસે આવ્યા. આ વખતે સ્વામીશ્રી પાસે પ.પૂ.શ્રી ઉત્તમચરણદાસજી સ્વામી ત્યાં હાજર હતા. નરેન્દ્રભાઈ એ આ ઉત્તમચરણદાસજી સ્વામી ને વિનંતી કરી કે, “મકાનના પ્લાન વિષે તમો પ.પૂ.સદ્.શ્રીઘનશ્યામજીવનસ્વામીને પૂછી જુઓને?”

              પ.પૂ.ઉત્તમચરણદાસજીસ્વામી એ હળવેથી પ.પૂ.સદ્.શ્રીઘનશ્યામજીવનસ્વામીને જણાવ્યું કે, “સ્વામી ! આ નરેન્દ્રભાઈ ના નવા મકાન વિષે કેમ કરવું?” ત્યારે સ્વામીએ પોતાના આસન નીચેથી મકાન નો પ્લાન કાઢ્યો અને નરેન્દ્રભાઈ ના હાથ માં આપ્યો અને કહ્યું કે, “તારા હાથે તું આ પ્લાન મારી સામે અત્યારેજ ફાડીને ફેંકી દે. તારા યોગેશ્વરનગર વાળા મકાન માં સાંકડ પડતી હોય તો સુધારા-વધારા કર. ઉપર નવો માળ બંધાવ પણ નવા મકાન વિષે ક્યારેય વિચારીશ નહીં”.

       નરેન્દ્રભાઈએ એજ ક્ષણે પ્લાન ફાડી નાખ્યો. નવા મકાન નો સંકલ્પ મૂકી દીધો. સ્વામીનો ચરણ સ્પર્શ કરી પ્રતિજ્ઞા લીધી કે તેઓ પાસે હવે ક્યારે નવા મકાનની વાત પણ નહીં કરે અને નવા મકાન વિષે ક્યારેય વિચારશે નહીં”. સ્વામી ખુબજ રાજી થયા અને સુખી થવાના આશીર્વાદ આપ્યા.

              નરેન્દ્રભાઈ આશીર્વાદ લઈ અંજાર આવ્યા. જૂના મકાન માં ઘણાં ફેરફાર કર્યા. ઉપર બીજો માળ બનાવ્યો.મકાન સુંદર બન્યું. મકાનના વાસ્તુપૂજન માં, ભુજ-અંજારના મળીને આશરે ૭૦ સંતો અને સાથે પ.પૂ.સદ્.શ્રીઘનશ્યામજીવનસ્વામી વગેરે નરેન્દ્રભાઈ ને ઘેર પધાર્યા. ઠાકોરજી પધરાવ્યા. સંતોના પગલા કરાવ્યા. સંતોના પૂજન થયા ઘર પાવન થયું. આનંદથી મકાનમાં રહેવા લાગ્યા. આ ઘરમાં સહેજે સહેજે મન પ્રફુલ્લિત રહેતું. બધાને ભજન-ભક્તિનું ખુબજ સુખ આવવા લાગ્યું.

              આ વાત ને સારો એવો સમય થઈ ગયો નરેન્દ્રભાઈ અવાર-નવર ધંધાર્થે બહારગામ જવાનું થતું. તા.૨૫/૧/૨૦૦૧ ના રોજ તેઓને જુનાગઢ જવાનું થયું. તા.૨૬/૧/૨૦૧૧ ના રોજ જુનાગઢ મંદિરમાં શણગાર આરતી ના દર્શન કર્યા. બજારમાં થોડું-ઘણું  કામ આટોપવાનું બાકી હતું તે માટે બજારમાં નીકળ્યા હતા. ત્યાંથી સીધુ જ અંજાર જવાનું હતું. સવારના ૯-૧૦ વાગ્યાને આશરે અચાનક ભૂકંપ આવ્યો. સર્વત્ર નાશભાગ શરૂ થઈ એક સલામત જગ્યા જોઈ નરેન્દ્રભાઈ ત્યાં ઊભા રહ્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાન નો અખંડ જાપ શરૂ કર્યો. થોડી ક્ષણોમાં વાતાવરણ ભયંકર બનીગયું. સ્મરણ ચાલુ હતું. અડધી કલાકે થોડા સ્વસ્થ થયા. ટેલીવિઝન દ્વારા સમાચાર મળ્યા કે કચ્છમાં ભૂકંપ ની  સૌથી વધારે અસર છે. અંજારમાં પ્રાથમિક શાળાના બાળકો રાષ્ટ્રીય પર્વની રેલીમાં નિકળેલા તે બધા ભીડબજારમાં કાટમાળ હેઠળ દટાઇ ગયા. નરેન્દ્રભાઈ ના મનમાં ધ્રાસ્કો પડ્યો. તુરંત જ બસસ્ટેન્ડે ગયા. અંજાર આવવા રવાના થયા.             

              રસ્તામાં ભૂકંપના વરવા દ્રશ્યો જોવા મળ્યા. ચિંતામાં વધારો થયો. ઘરે શું થયું હશે? કલ્પના જ હૈયું થથરાવી દે તેમ હતું. અંજાર પહોંચ્યા ચારેબાજુ હ્રદયદ્રાવક દ્રશ્યો નજરે ચડ્યા. ઘરે કોઈ બચ્યાહશે કે કેમ? એવો પ્રશ્ન વારંવાર મનમાં ઊઠતો હતો. યોગેશ્વર નગર માં પહોંચ્યા. સોસાયટી તો સલામત જણાઈ. ઘેર પહોંચ્યા. આશ્ચર્યથયું હૈયામાંથી હશ! નીકળી ગયું. ઘર સલામત હતું. માણસો બધા સલામત હતા. આંખો બંધ કરી ભગવાન શ્રીહરી ને યાદ કરી મનોમન વંદન કર્યા. માતા-પત્ની અને બે પુત્રોને મળ્યા. બધાએ શ્રીજી મહારાજ નો ઉપકાર માન્યો. લાગણી ના પ્રવાહો આંખોમાંથી અશ્રુરૂપે વહ્યા. થોડી વારે બધા સ્વસ્થ થયા. ટેલીવિઝનમાં ભૂકંપના દ્રશ્યો જોયા. જે જગ્યાએ પોતે નવા મકાન બનાવવા ના હતા તે વાડીમાં બનેલા તમામ મકાનો ભૂકંપગ્રસ્ત હતા. તદ્દન ભાંગીને ભૂકો થઈ ગયા હતા. હવે નરેન્દ્રભાઈ ને સમજાયું કે સ્વામીએ મકાનનો પ્લાન શા માટે ફાડીને ફેંકવી દીધો હતો.

              મંદિરે તપાસ કરાવી. આજે પ.પૂ.સદ્.શ્રીઘનશ્યામજીવનસ્વામી અહી અંજાર મંદિરમાં જ હતા. નરેન્દ્રભાઈ મંદિરે પહોંચ્યા. સ્વામીશ્રી પાસે  હજુ તેઓ પહોંચે તે પહેલા જ સ્વામીશ્રી બોલ્યા કે, “નરેન્દ્રભાઈ! તમે અમારું વચન માન્ય તો સુખિયા થયાને? કાળનો પંજો તો ભયંકર હતો પરંતુ ભગવાન સ્વામિનારાયણે તમારી રક્ષા કરી. જો વચન માન્ય ન હોત તો શું થાત?

              નરેન્દ્રભાઈ સ્વામીના ચરણમાં ઢળી પડ્યા. ખૂબ રડ્યા, અને પછી બોલ્યા કે, સ્વામી! જો આપનું વચન માન્યો ન હોત તો માતા-પત્ની અને બે પુત્રોને ગુમાવી ચૂક્યો હોત. સ્વામીશ્રીએ નરેન્દ્રભાઈના મસ્તકે દિવ્ય હાથ ફેરવ્યો. નરેન્દ્રભાઈ શાંત થયા. જીવમાં દિવ્યાનંદની લહેર પ્રસરી. સ્વામિ કહે. ભગવાન સ્વામીનારાયણ તથા દિવ્ય સંતો તો સદાય હરિભક્તોની રક્ષામાં જ છે. આપણે તેનાં થઈને તેમના વચનમાં વર્તીએતો કાળ-માયા બિચારા શું કરે ?

              નરેન્દ્રભાઈ ને ફરી ગઢડા પ્રથમ પ્રકરણનાં ૨૭ માં વચનામૃત ની કથાનાં શબ્દો યાદ આવ્યા કે, “એવા સંત ની સર્વે ઇંદ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે”                        

            અને એટલા માટે જ વૈરાગ્યમુર્તિ સદ્.શ્રીનિષ્કુળાનંદ સ્વામી ના શબ્દો સાક્ષાત આ વાત ની સાક્ષી પુરાવે છે...................

ધન્ય ધન્ય એ સંત સુજાણ ને,                                                  

જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરિ,                                      

આપ ટળી મળ્યા ભગવાનમાં,                                                     

જેના આપ માં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરિ,                              

જેમ હીરો હીરા વડે વીંધીએ ,                                                   

તેમ થયો તે સહજ સમાવ સંત તે સ્વયં હરિ,                                   

એવા સંત શિરોમણી ક્યાથી મળે,                                        

જેણે દેહ બુદ્ધિ કરી દૂર સંત તે સ્વયં હરિ                                                                              

કહે નિષ્કુળાનંદ એને સંગે,                                                      

ઊગે અંતરે આનંદ સૂર સંત તે સ્વયં હરિ,


Copyright 2023. Shree NarNarayaN Dev App Management Team. All rights reserved. No part of this website or application may be reproduced, distributed, or transmitted in any form or by any means without the prior written permission.